વર્ષ 2019નું આખરી સૂર્યગ્રહણ આવતીકાલે ગુરુવારે સવારે થશે. આ સૂર્યગ્રહણ દુર્લભ ગણાય છે, કારણ કે આ પ્રકારનું ગ્રહણ 296 વર્ષ પહેલાં, એટલે કે 1723ની સાલમાં 7 જાન્યુઆરીએ થયું હતું.
296 વર્ષ બાદ ફરી વાર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ફરી 26 ડિસેંબર, 2019માં થશે.
ગુરુવારે ગ્રહણનો સ્પર્શ સવારે 8 વાગ્યાને 21 મિનિટે થશે. ગ્રહણનો મધ્ય ભાગ સવારે 9.40 વાગ્યે થશે અને ગ્રહણનો મોક્ષ સવારે 11.14 વાગ્યે થશે. આમ, ગ્રહણનો સમય બે કલાક અને 53 મિનિટનો રહેશે. ગ્રહણનું સૂતક 12 કલાક પૂર્વે એટલે કે બુધવારે રાતે 8.21 વાગ્યાથી લાગી ગયું છે.
આ વખતનું સૂર્યગ્રહણ ધન રાશીમાં થઈ રહ્યું છે એટલે મૂળ નક્ષત્રનાં જાતકોએ આ ગ્રહણ જોવું ન જોઈએ, એવી શાસ્ત્રોનાં જાણકારોની સલાહ છે.
ગ્રહણ કાળમાં ભગવાન સૂર્યનારાયણ તથા ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂતકના સમયમાં તેમજ ગ્રહણના સમયમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનું નિષેધ ગણાયું છે. એવી જ રીતે, ગ્રહણકાળમાં ખાવા-પીવાનું, સૂવાનું, નખ કાપવાનું, ભોજન બનાવવાનું, તેલ લગાડવાનું વગેરે અમુક કાર્યો કરવાની શાસ્ત્રો અનુસાર મનાઈ છે.
આ ગ્રહણ તુલા, કુંભ અને મીન રાશીનાં જાતકો માટે શુભ ફળ આપનારું બની રહેશે.
આ ગ્રહણ ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતર, સંયુક્ત આરબ અમિરાત, ઓમાન, શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર દેશોમાં પણ જોવા મળશે.
ગ્રહણના વિસ્તારની ભૌગોલિકતાને કારણે ભારતમાં, દક્ષિણ ભાગના વિસ્તારોમાં ગ્રહણ વધારે સ્પષ્ટ રીતે જોવા મળશે.
જોકે ભારતમાં દરેક વિસ્તારમાં થોડુંક ગ્રહણ તો ચોક્કસ જોવા મળશે. ગ્રહણનો સૌથી મધ્ય ભાગ 3 મિનિટનો રહેશે.
મુંબઈમાં વિમાનમાંથી લેવામાં આવશે સૂર્યગ્રહણની તસવીરો
દેશમાં પહેલી જ વાર, સૂર્યગ્રહણની તસવીરો આવતીકાલે મુંબઈમાં આકાશમાંથી પાડવામાં આવનાર છે. શહેરની બે સંસ્થા આ કામ કરવાની છે. આ બે સંસ્થા છે – MAB એવિએશન (વિલે પારલે) અને સ્પેસ ગ્રીક્સ.
MAB એવિએશનના અરવિંદ જાધવે કહ્યું કે સૂર્યગ્રહણની તસવીરો ખેંચવા માટે બે વિમાનને આકાશમાં મોકલવામાં આવશે. બંને વિમાન સવારે 8.30 વાગ્યે જુહૂ એરોડ્રોમ પરથી ટેક ઓફ્ફ કરશે અને શહેરના ઉત્તરીય ભાગ તરફ આગળ વધશે, ત્યાંથી શિર્ડી તરફ જશે અને સૂર્યગ્રહણની તસવીરો પાડીને 9.45 વાગ્યે જુહૂ એરોડ્રોમ પર પાછા ફરશે.
વિમાનમાં ફોટોગ્રાફરો, વિજ્ઞાનીઓ, અવકાશવીરો અને સેલિબ્રિટી વ્યક્તિઓની એક ટીમ હશે.
આ તસવીર અનુસાર, કાળી પટ્ટીઓ ઘટ્ટ અને ઝાંખા રંગમાં બતાવી છે એ મુજબ ગ્રહણ વધારે-ઓછું દેખાશે. એકદમ કાળી પટ્ટીવાળા વિસ્તારોમાં ગ્રહણ 93 ટકા જેટલું દેખાશે અને ભારતના ઉત્તર તરફ એ ઓછું દેખાશે. મુંબઈમાં 62 ટકા દેખાશે, દિલ્હીમાં 30 ટકા દેખાશે.
એવી કડક ચેતવણી આપવામાં આવી છે કે આવતીકાલે સૂર્યગ્રહણ નરી આંખે જોવું નહીં. માત્ર સુરક્ષિત ચશ્મા કે સાધન વડે તેમજ યોગ્ય ટેકનિક દ્વારા જ એ જોવું. સૂર્યગ્રહણ વખતે સૂર્યનો 99 ટકા ભાગ ચંદ્રથી ઢંકાઈ જશે, તે છતાં આસપાસ જે પ્રકાશ દેખાશે એ આંખોને નુકસાન કરશે. કંકણાકૃતિ પણ નરી આંખોને નુકસાન કરવા માટે પૂરતું હશે એ ખાસ ધ્યાનમાં રાખવું.







